Wednesday 31 August 2011

ચકીબહેન ચકીબહેન. . .

ચકીબહેન ચકીબહેન મારી સાથે રમવા
આવશો કે નહીં ? આવશો કે નહીં ?

બેસવાને પાટલો, સૂવાને ખાટલો,

ઓઢવાને પીંછા આપીશ તને, હું આપીશ તને. . .
ચકીબહેન ચકીબહેન. . .

પહેરવાને સાડી, મોર પીંછા વાળી,

ઘમ્મરીયો ઘાઘરો આપીશ તને, હું આપીશ તને. . .
ચકીબહેન ચકીબહેન. . .

ચક ચક ચણજો, ચીંચીં...ચીંચીં... કરજો,

ચણવાને દાન આપીશ તને, હું આપીશ તને. . .
ચકીબહેન ચકીબહેન. . .

બા નહીં લડશે, બાપુ નહીં વઢશે,

નાનો બાબો તો ઊંઘી ગયો, રે ઊંઘી ગયો. . .
ચકીબહેન ચકીબહેન. . .

સાયકલ મારી સ..ર..ર..ર.. જાય. . .

સાયકલ મારી સ..ર..ર..ર.. જાય,
ટીન ટીન ટોકરી બજાવતી જાય. .
સાયકલ મારી સ..ર..ર..ર.. જાય. . .

શેઠભાઈ શેઠભાઈ આઘા ખસો,

આઘા ખસો નહીં તો પડી જશો,
શેઠભાઈ શેઠભાઈ ચાલ્યા તે ક્યાં ? ?
ચોપડા લઈને ચાલ્યા તે ક્યાં ? ?
સાયકલ મારી સ..ર..ર..ર.. જાય. . .

ડોશીમા ડોશીમા આઘા ખસો,

બાકી રહ્યા મારે ગણા કામો,
ડોશીમા ડોશીમા ચાલ્યા તે ક્યાં ? ?
છીંકણી સુંઘતા ચાલ્યા તે ક્યાં ? ?
સાયકલ મારી સ..ર..ર..ર.. જાય. . .

શેઠાણી શેઠાણી આઘા ખસો,

આઘા ખસો નહીં તો પડી જશો,
શેઠાણી શેઠાણી ચાલ્યા તે ક્યાં ? ?
છત્રી લઈને ચાલ્યા તે ક્યાં ? ?
સાયકલ મારી સ..ર..ર..ર.. જાય. . .

ગાલ્લી મારી ઘ..ર..ર..ર.. જાય. . .

ગાલ્લી મારી ઘ..ર..ર..ર.. જાય,
બળદ શીંગડા ડોલાવતા જાય,
ઘમ ઘમ ઘૂઘરા વાગતા જાય. . .
ગાલ્લી મારી. . .

ડોશીમા ડોશીમા ચાલ્યા તે ક્યાં. . ?

લાકડી લઈને ચાલ્યા તે ક્યાં. . ?
મારી ગાડીમાં બેસો તમે,
રાજી રાજી બહુ થાશું અમે ! ! !
ગાલ્લી મારી. . .

ખેડુભાઈ ખેડુભાઈ ચાલ્યા તે ક્યાં. . ?

કોદાળી લઈને ચાલ્યા તે ક્યાં. . ?
મારી ગાડીમાં બેસો તમે,
રાજી રાજી બહુ થાશું અમે ! ! !
ગાલ્લી મારી. . .

બચુભાઈ બચુભાઈ ચાલ્યા તે ક્યાં. . ?

દોડતા દોડતા ચાલ્યા તે ક્યાં. . ?
કૂદીને ગાડામાં બેસો તમે,
ગાતા ગાતા ઘેર જાશું અમે ! ! !
ગાલ્લી મારી. . .

સાગરમાં નાવ મારી. . .

સાગરમાં નાવ મારી સરરર જાય,
કાંઠે ઉભા ઝાડ કેવા નાના નાના થાય. . .
સાગરમાં નાવ મારી. . .

દૂર દૂર પંખીઓનો કલરવ થાય,

સમીરની મંદ મંદ વાંસલડી વાય. . .
સાગરમાં નાવ મારી. . .

સફેદ સઢમાં કેવો પવન ભરાય,

હલેસું મારુંને નાવ દોડી દોડી જાય. . .
સાગરમાં નાવ મારી. . .

ઉંચે ભૂરું આકાશ શું વિશાળ જણાય,

નીચે કાળા કાળા પાણી દેખ્યાં નવ જાય. . .
સાગરમાં નાવ મારી. . .

તોફાનમાં નાવ મારી ડગુમગુ થાય,

પ્રભુને સ્મરું તો નાવ સરરર જાય. . .
સાગરમાં નાવ મારી. . .

Sunday 14 August 2011

વર્ષાગીત...


ભારત દેશ...

આખા જગતથી ન્યારું ભારત છે અમારું,
અમ ચાહિયે છે તુજને, તું અમને સૌથી પ્યારું...

ગંગા વહે છે એમાં, જમના વહે છે એમાં,

ઉત્તરમાં છે હિમાલય, રક્ષણ કરે અમારું...

લહેરાતાં ખેતરો છે, પાણી ને જંગલો છે,

આપે છે અમને જીવન, પોષણ કરે અમારું...

શહેરોમાં ગીચ રસ્તા, ધમધમતાં વાહનોથી,

ઉભાં છે કારખાનાં, ગૌરવ બને અમારું...

નાબૂદ થાય રોગો, હો તંદુરસ્ત ભારત,

શિક્ષણ મળે સહુને, એ લક્ષ્ય છે અમારું...

તાકત છે એકતામાં, સુખ સૌનું ચાહનામાં,

રહીએ હળીમળીને, એક જ કથન અમારું...

લાગે નજર ન કોઈ, આ દેશને કદાપિ,

રક્ષણ તું કરજે માલિક, કોઈ નથી અમારું...



Saturday 13 August 2011


વરસી જા વરસી જા
ઓ મેહુલીયા વરસી જા

પ્યાસી ધરા ભીંજવી જા,
માટીને મહેકાવી જા,
મોરલીયો નચાવી જા, ઓ મેહુલીયા વરસી જા...

ગગનને ગજાવી જા,
વીજળીયું ચમકાવી જા,
વાદળીયું વરસાવી જા, ઓ મેહુલીયા વરસી જા...

નદીયુંને ઊભરાવી જા,
સરવરીયાં છલકાવી જા,
મુશળધાર વરસાવી જા,ઓ મેહુલીયા વરસી જા...


વાવણી કાજે વરસી જા,
ખેડુને મલકાવી જા,
બાલુડાં હરખાવી જા, ઓ મેહુલીયા વરસી જા...

બાગે ફૂલડાં ખિલાવી જા,
વનરાઈઓ હસાવી જા,
હરિયાળી ફેલાવી જા, ઓ મેહુલીયા વરસી જા...

Friday 12 August 2011

વ્હાલો મારો ભાઈ...

હરખતી આજ હું તો જાગી
ભાઈ, મલકાતી હું તો જાગી
આજ છે મારો રાખડીનો દિન
મલક લઈશ હું માગી માગી
હરખતી આજ હું તો જાગી...

નાના હાથે વીરાને બાંધુ રાખી,
ભાઈલા ને દુનિયા ચાહે આખી,
વચન લઈશ હું માંગી માંગી,
હરખતી આજ હું તો જાગી...

નાનો અમથો નથી આ દોરો,
આ તો છે સ્નેહનો તાર,
ભાઈ બહેનના પ્રેમનો રાખડીમાં,
મલકે મલકતો સાર,
હરખ લઈશ હું તો માંગી માંગી,
હરખાતી આજ હું તો જાગી...

-ચંદ્રકાન્ત ઠક્કર

Monday 1 August 2011

તું મારો રંગીલો છે...

તું મારો રંગીલો છે, તું તો મને ગમતો નથી,
સીધી સડકે જતો નથી, ગિલ્લી-ડંડો રમતો નથી. . .
તું મારો. . .

નાક્માંની નથણી લાવતો નથી,
નાકે પહેરવા દેતો નથી,
તું મારો. . .

કાનમાંના કુંડલ લાવતો નથી,
કાને પહેરવા દેતો નથી,
તું મારો. . .

હાથમાંની બંગડી લાવતો નથી,
હાથે પહેરવા દેતો નથી,
તું મારો. . .

પગમાંના ઝાંઝર લાવતો નથી,
પગે પહેરવા દેતો નથી,
તું મારો. . .

હું ને મારી બહેનપણી...

હું ને મારી બહેનપણી તો મહેંદી લેવા ગઇતી,
મહેંદીના મોટા ઝાડ છે, હાથ લાલ ચોળ છે. . .

મારી મમ્મીએ એમ કહ્યું કે, વાસણ ઘસી નાખજે,
હું ભોળી એમ સમજી કે વાસણ ફોડી નાખજે,
હું ને મારી બહેનપણી. . .

મારી મમ્મીએ એમ કહ્યું કે, કપડાં ધોઈ નાખજે,
 હું ભોળી એમ સમજી કે કપડાં ફાડી નાખજે,
હું ને મારી બહેનપણી. . .

મારી મમ્મીએ એમ કહ્યું કે ઝાડુ મારી નાખજે,
હું ભોળી એમ સમજી કે ઝાડુ ફેંકી નાખજે,
હું ને મારી બહેનપણી. . .

મા, મને કેમ નહીં ??

આ પોપટને પાંખ છે, મા મને કેમ નહીં ??
મારે પણ ઊડવું છે, મા કેમ કરી ઊડું ??

આ ચકલીને ચાંચ છે, મા મને કેમ નહીં ??
મારે પણ ચણવું છે, મા કેમ કરી ચણું ??

આ ફૂલને સુગંધ છે,
મા મને કેમ નહીં ??
મારે પણ ફોરવું છે, મા કેમ કરી ફોરું ??

આ વાનરને પૂંછ છે,
મા મને કેમ નહીં ??
ડાળ-ડાળ હિંચવું છે, મા કેમ કરી હિંચું ??

આ હરણાને ચાર પગ,
મા મને કેમ નહીં ??
મારે પણ કૂદવું છે, મા કેમ કરી કૂદું ??