Sunday 31 July 2011

વરસાદ પડે. . .

પપ્પા ઓઢે છત્રી કેમ ?? વરસાદ પડે. . .
મમ્મી શોધે રેઈનકોટ કેમ ?? વરસાદ પડે. . .

નભમાં વાદળ ગરજે કેમ ?? વરસાદ પડે. . .
વીજળી આભે ચમકે કેમ ??
વરસાદ પડે. . .

દેડકાં ડ્રાઉં
ડ્રાઉં બોલે કેમ ?? વરસાદ પડે. . .
તરુવર ઊંચા ડોલે કેમ ?? વરસાદ પડે. . .

છોકરાં છબછબીયાં કરતાં કેમ ??
વરસાદ પડે. . .
ગલીએ ગલીએ ફરતાં કેમ ??
વરસાદ પડે. . .

મોર પપીહા ટહુકે કેમ ??
વરસાદ પડે. . .
સરિતા જલ છલકે કેમ ??
વરસાદ પડે. . .

છાપરાં ખડખડ મલકે કેમ ??
વરસાદ પડે. . .
ખેડૂત માણસો હરખે કેમ ??
વરસાદ પડે. . .

ધરતીમાતા ખીલી કેમ ??
વરસાદ પડે. . .
સોડમ ભીની ભીની કેમ ??
વરસાદ પડે. . .

બંદા ના'વા નીકળે કેમ ??
વરસાદ પડે. . .
ખુલ્લા ડિલે નીકળે કેમ ??
વરસાદ પડે. . .
-મનુભાઈ પટેલ

Friday 29 July 2011

હું ને ચંદુ છાનામાના...

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા,
લેશન પડતું મૂકી અમે,
ફિલ્લમ ફિલ્લમ રમવા બેઠા. . .

મમ્મી પાસે દોરી માગી પપ્પાની લઇ લુંગી,
પડદો બાંધી અમે બનાવી, ફિલ્લમ એની મૂંગી. . .

દાદાજીના ચશ્મા માંથી, કાઢી લીધો કાચ,
એમાંથી ચાંદરડા પાડ્યા, પડદા ઉપર પાંચ. . .


હું ફિલ્લમ પાડું ત્યારે, જોવા આવે ચંદુ,
ચંદુ ફિલ્લમ પાડે ત્યારે, જોવા આવું હું. . .

કાતરિયામાં છુપાઈને બેઠી'તી બિલ્લી એક,
ઉંદરડીને ભાડી તેણે, તરત લગાવી ઠેક. . .

ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લગતા ચંદુ સાથે, મેં એ ચીસ ગજાવી,
ઓ મા. . . ઓ મા. . .

દોડમ દોડી કરતા આવી પહોંચ્યા મમ્મી પપ્પા,
ચંદુડિયાનો કાન પકડ્યો, મને લગાવ્યા ધબ્બા.
હું ને ચંદુ. . .

પંખી બની ઉડી જઈએ. . .

પંખી બની ઉડી જઈએ. . .(૨)
હો હો હો ચાંદમામાના દેશમાં. . . (૨)

ઊંચા ઊંચા વાદળના દેશ ચાંદામામા,

વીજળી બની ચમકી જઈએ. . . (૨)
હો હો હો ચાંદામામાના દેશમાં. . . (૨)
પંખી બની. . .

ચમકતા તારલાનો દેશ ચાંદામામા,
તારલા બની ચમકી જઈએ. . .(૨)
હો હો હો ચાંદામામાના દેશમાં. . . (૨)
પંખી બની. . .

રૂપાળી પરીઓનો દેશ ચાંદામામા,
પરી બની ઉડી જઈએ. . .(૨)
હો હો હો ચાંદામામાના દેશમાં. . . (૨)
પંખી બની. . .

રંગીલા પતંગિયા...

રંગીલા રંગીલા રંગીલા પતંગિયા,
હા હા હા હા હા હા હો હો હો પતંગિયા. . . (૨)

આભમાં ઉડતાને હાથમાં ન આવતા,
પકડવા જાઉં ત્યાં તો ઉડી રે જતા,
મારું મન મોહી લેતા રે ! પતંગિયા,
રંગીલા રંગીલા. . . 

બાળકોના બાગમાં રમવાને આવતા,
દોડાવી દોડાવી થકવી એ નાખતા,
મારું મન મોહી લેતા રે ! પતંગિયા,
રંગીલા રંગીલા. . .

મારાથી ગામડિયાનું સાસરિયું...

મારાથી ગામડિયાનું સાસરિયું
સહેવાશે નહીં,  સહેવાશે નહીં...!!!


કચરો વાળ-વાળ-વાળ મારી કેડ દુ:ખી જાય,
કચરો વાળ-વાળ-વાળ મારી કેડ દુ:ખી જાય,
મારાથી ગામડિયાનું...

પોતું માર-માર-માર મારા હાથ દુ:ખી જાય,
પોતું માર-માર-માર મારા હાથ દુ:ખી જાય,
મારાથી ગામડિયાનું...

ચૂલો ફૂંક-ફૂંક-ફૂંક મારી આંખ દુ:ખી જાય,
ચૂલો ફૂંક-ફૂંક-ફૂંક મારી આંખ દુ:ખી જાય,
મારાથી ગામડિયાનું...

પાણી ખેંચ-ખેંચ-ખેંચ મારી ડોક દુ:ખી જાય,
પાણી ખેંચ-ખેંચ-ખેંચ મારી ડોક દુ:ખી જાય,
મારાથી ગામડિયાનું...

સાસુ બોલ-બોલ-બોલ મારા કાન દુ:ખી જાય,
સાસુ બોલ-બોલ-બોલ મારા કાન દુ:ખી જાય,
મારાથી ગામડિયાનું...

મટકી રે માથે માખણ...

મટકી રે માથે માખણ ની મટકી,
માખણની મટકીને હાથ માંથી છટકી,
મટકી રે....

વનમાં તે કાનુડો દાંતણ મંગાવે,
વનમાં તે દાંતણ ક્યાંથી લાવું રે કાનુડા,
મટકી રે....

વન માં તે કાનુડો નાવણ મંગાવે,
વનમાં તે નાવણ ક્યાંથી લાવું રે કાનુડા,
મટકી રે....

વન માં તે કાનુડો પહેરણ મંગાવે,
વનમાં તે પહેરણ ક્યાંથી લાવું રે કાનુડા,
મટકી રે....

વન માં તે કાનુડો ભોજન મંગાવે,
વનમાં તે ભોજન ક્યાંથી લાવું રે કાનુડા,
મટકી રે....

વન માં તે કાનુડો પોઢણ મંગાવે,
વનમાં તે પોઢણ ક્યાંથી લાવું રે કાનુડા,
મટકી રે....

Wednesday 27 July 2011

તને ચકલી બોલાવે...

તને ચકલી બોલાવે, તને પોપટ બોલાવે,
તને બોલાવે કૂતરું કાળું,
એતો વાંકી પૂંછડી વાળું ! ! !
 તને ચકલી બોલાવે. . .

નાના-નાના ચાર ગલુડિયા,આવે છાના-માના,
એક રંગે ધોળું, બીજું રંગે કાળું,
ત્રીજું રંગે લાલ લાલને, ચોથું ધાબા વાળું...
તને ચકલી બોલાવે. . .
 
ધડ-બડ ધડ-બડ દોડી આવે,ભૂલકાંઓની ટોળી,
કોઈ કહે આ મારું,
કોઈ કહે આ તારું,
કોઈ રમાડે રૂપાળુંને, સૌને હું પંપાણું...
તને ચકલી બોલાવે. . .

ઢીંગલી મારી બોલતી નથી...

ખાતી નથી પીતી નથી,
ઢીંગલી મારી બોલતી નથી,
બોલ બા બોલ એને કેમ બોલાવું ? ? ?

સોનાને પાટલે બેસાડું જમવા,
ઘંટી ને ઘૂઘરો આપું છું રમવા,
તો પણ એ,બોલતી નથી . . . (૨)
બોલ બા બોલ એને કેમ બોલાવું ? ? ?

પહેરાવું ઝાંઝરને રેશમના ઝબલા,
રૂમઝૂમ નાચુંને વગાડું તબલા,
તો પણ એ બોલતી નથી . . . (૨)
બોલ બા બોલ એને કેમ બોલાવું ? ? ?

પંખી બતાવું ડાળીએ ઝુલતા,
મેના પોપટ ને મોરલા ટહુકતા,
તો પણ એ બોલતી નથી . . . (૨)
બોલ બા બોલ એને કેમ બોલાવું ? ? ?

ચાંદામામા તો આકાશે રમતા,
બાબા ગાડીમાં ઢીંગલીબેન ફરતા,
તો પણ એ બોલતી નથી . . . (૨)
બોલ બા બોલ એને કેમ બોલાવું ? ? ?

નાની નાની ગુડિયા...

નાની નાની ગુડિયા,
મોટી મોટી ગુડિયા . . . 
મહેમાન પધાર્યા મારે આંગણીયે. . .

ચા પીશો કે કોફી મંગાવું ? ? ?
મારા મનમાં એમ કે ના પડે તો સારું ! ! !
નાની નાની . . .

પેંડા ખાશો કે બરફી મંગાવું ? ? ?
મારા મનમાં એમ કે ના પડે તો સારું ! ! !
નાની નાની . . .

લાકડી ખાશો કે ધોકો મંગાવું ? ? ?
મારા મનમાં એમ કે ના પડે તો સારું ! ! !

નાની નાની ગુડિયા,
મોટી મોટી ગુડિયા . . . 
મહેમાન પધાર્યા મારે આંગણીયે . . .

દરિયાની માછલી...

દરિયાની માછલી સમંદર બેટમાં,
રમતી હતી, રમતી હતી . . . 

કૂવામાં નાખી તો ભલે નાખી,
મને ટોપલામાં કેમ મૂકી હો રાજ ? ? ?
દરિયાની માછલી. . . 

ટોપલામાં મૂકી તો ભલે મૂકી,
મને બજારે કેમ કરી વેચી હો રાજ ? ? ?
દરિયાની માછલી. . .

બજારે વેચી તો ભલે વેચી,
પેલા છોકરાને વેચી હો રાજ ? ? ?
દરિયાની માછલી. . . 

છોકરાને આપી તો ભલે આપી,
મને તવીએ કેમ કરી શેકી હો રાજ ? ? ?
દરિયાની માછલી. . . 

તવીએ શેકી તો ભલે શેકી,
મને મોઢા માં કેમ કરી મૂકી હો રાજ ? ? ?
દરિયાની માછલી. . . 

મોઢા માં મૂકી તો ભલે મૂકી,
મારા કાંટા કેમ કાઢી નાખ્યા હો રાજ ? ? ?
દરિયાની માછલી. . .

એક સૂંઢલાવાળી આવી રે...

પ સા સા રે સા રે સા, પ સા સા રે સા રે સા,
ગ રે સા ગ રે સા...

એક સૂંઢલાવાળી આવી રે હો આવી રે,
કોઈ ફરફરિયા લ્યો,  કોઈ ફરફરિયા લ્યો...
એણે નાકમાં  પહેરી નથણી,
અંતરનું જંતરીયું વાગે હો રે હો. . . 
પ સા સા રે સા રે સા. . . 

એક સૂંઢલાવાળી આવી રે હો આવી રે,
કોઈ ફરફરિયા લ્યો,  કોઈ ફરફરિયા લ્યો...
એણે કાનમાં પહેર્યા કુંડળ,
અંતરનું જંતરીયું વાગે હો રે હો. . . 
પ સા સા રે સા રે સા. . .  

એક સૂંઢલાવાળી આવી રે હો આવી રે,
કોઈ ફરફરિયા લ્યો,  કોઈ ફરફરિયા લ્યો...
એણે હાથમાં પહેર્યા કંગન,
અંતરનું જંતરીયું વાગે હો રે હો. . . 
પ સા સા રે સા રે સા. . . 

એક સૂંઢલાવાળી આવી રે હો આવી રે,
કોઈ ફરફરિયા લ્યો,  કોઈ ફરફરિયા લ્યો...
એણે પગમાં પહેર્યા ઝાંઝર,
અંતરનું જંતરીયું વાગે હો રે હો. . . 
પ સા સા રે સા રે સા. . . 

Tuesday 26 July 2011

પંખી નાનું થાવું ગમે...

પંખી નાનું થાવું ગમે,
ઊંચે ઊંચે ઉડવું ગમે,
 
ઝરમર મેહુલો થાવું ગમે,
ઉભા ઉભા નહાવું ગમે,
 
છત્રી લઈને ફરવું ગમે,
ઘર માં ના પુરાવું ગમે,
 
ઉંદર બિલ્લી રમવું ગમે,
ચૂં ચૂં મ્યાઉં મ્યાઉં કરવું ગમે...

મારા પ્રભુજી નાના છે...

મારા પ્રભુજી નાના છે,
દુનિયાભર ના રાજા છે,
આભે ચઢીને ઉભા છે,
સાગર જળમાં સુતા છે...
મારા પ્રભુજી...
 
જમુના કિનારે ઉભા છે,
મીઠી મીઠી બંસી બજાવે છે...
મારા પ્રભુજી...
 
પીળા પીતાંબર પહેર્યા છે,
જશોદાને પાયે લાગે છે,
મારા પ્રભુજી....

પગમાં ઝાંઝર પહેર્યા છે,
રૂમઝૂમ રૂમઝૂમ નાચે છે.
મારા પ્રભુજી...

નાનેરા બાળ અમે સૌને રે ગમતા...

કિલકિલાટ કરતા કલબલાટ કરતા,
નાનેરા બાળ અમે સૌને રે ગમતા...

ગોળ ગોળ ફરતા સાત તાલી રમતા,
નાનેરા બાળ અમે સૌને રે ગમતા...

મૂખડું મલકાવતા સૌને હસાવતા,
નાનેરા બાળ અમે સૌને રે ગમતા...

થનગન એ નાચતાં, આનંદે કૂદતાં,
નાનેરા બાળ અમે સૌને રે ગમતા...

નિશાળમાં જતા ને ગીત નવાં ગાતા,
નાનેરા બાળ અમે સૌને રે ગમતા...

ભાઈ મારા સાંભળ તું સપનાની વાત...

સપનાની વાત કહું સપનાની વાત,
    ભાઈ મારા સાંભળ તું સપનાની વાત...
સપનાની વાત કહું સપનાની વાત... 

કો' ક દી હું સપનામાં આકાશે ઉડતો, 
ચાંદામામા ની સાથે હું ઘૂમતો,
તારલિયા ભાઈ મને અડી અડી જાય,
ભાઈ મારા
સાંભળ તું સપનાની વાત...
સપનાની વાત કહું સપનાની વાત...

કો' ક દી હું મધદરિયે હોડી હંકારતો,
હલેસા મારી દૂર દૂર પહોંચતો,
માછલીઓ ભાઈ મને ઊંડે ખેચી જાય,
ભાઈ મારા સાંભળ તું સપનાની વાત...
સપનાની વાત કહું સપનાની વાત... 

કો' ક દી હું પરીઓના દેશમાં જઈ પહોંચતો,
પરીઓના ખોળે સુખેથી હું પોઢતો,
પરીઓના ભાઈ મને પંખા નાખી જાય,
ભાઈ મારા સાંભળ તું સપનાની વાત...
સપનાની વાત કહું સપનાની વાત...  

Monday 25 July 2011

" પરીઓનો દેશ "


પરીઓનો દેશ આતો પરીઓનો દેશ,
રૂડોને રંગીલો આતો પરીઓનો દેશ...
પરીઓનો દેશ...

રૂમઝૂમ રૂમઝૂમ હું તો ચાલું,
છમછમ છમછમ હું તો નાચું,
ગીત મધુરા ગાઉં હું તો ગીત મધુરા ગાઉં...
પરીઓનો દેશ...

તારલિયા તો ઝીણું ચમકે, 
જોઇને મારું મુખડું મલકે,
રાજી રાજી થાઉં હું તો રાજી રાજી થાઉં.
પરીઓનો દેશ...

ચાંદામામા ખૂબ જ ગમતા,
સંતાકૂકડી સાથે રમતા,
સાતતાળી  સાથે રમતા,
ફેરફુદરડી સાથે ફરતા,
વ્હાલો એનો વેશ આતો પરીઓનો દેશ...
પરીઓનો દેશ...